વડોદરા નજીક સાવલી તાલુકામાં આવેલી ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગતા એક ડઝન જેટલા ફાયર ફાઈટર ચાર કલાકથી કામે લાગ્યા છે. મંજુસર જીઆઇડીસીની દવા બનાવતી એડવાન્સ મેડટેક સોલ્યુશન પ્રા.લિ. નામની દવા બનાવતી કંપનીના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગતા કર્મચારીઓ જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા.
ગોડાઉનમાં દવાઓ, રો મટીરીયલ અને એલ્યુમિનિયમ સહિતનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી આંખ ઝડપભેર પ્રસરી ચૂકી હતી.
આગનું તાંડવ જોતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આગ વધુ રૌદ્ર બનતા વડોદરા આઠ ફાયર એન્જિન મંગાવી લીધા હતા. લગભગ ચાર કલાક સુધી પાણી અને ફોમનો મારો ચલાવ્યા બાદ આગનું જોર ધીમું પડ્યું હતું. બનાવને પગલે આસપાસની કંપનીઓના કામદારો તેમજ ગ્રામજનોના ટોળા જામ્યા હતા. પોલીસે વ્યવસ્થા જાળવી હતી અને આગનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.