પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આસ્થા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હોળી-ધૂળેટી બાદ આવતી રંગપંચમી અને પૂનમ એક જ દિવસે હોવાથી વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ મા અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ‘બોલો માડી અંબે, જય જય અંબે’ના જયઘોષથી ગબ્બર અને ચાચર ચોક ગુંજી ઉઠ્યા હતા.
રંગપંચમીના અવસરે અનેક સંઘો લાલ ધજાઓ સાથે અબીલ-ગુલાલ ઉડાડતા માતાજીના દરબારમાં હાજર રહ્યા હતા. સમગ્ર યાત્રાધામ ભક્તિ અને રંગોત્સવના માહોલમાં રંગાઈ ગયું હતું.
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા તથા દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રેલિંગ અને હોલ્ડિંગ એરિયામાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

