ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલ એક મેટરનેટી હોસ્પિટલમાં માનવ તસ્કરી કાંડનો થયો પર્દાફાશ
૮ વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરીયાદ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી.ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી દીપ મેટરનેટી અને ચિલ્ડ્રન હોમમાંથી માનવ તસ્કરીનો ખુલાસો થતાં જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગેરકાયદેસર રીતે દત્તક લેવાયેલી બાળકી બીમાર પડી.બાળકીને સારવાર માટે સૌપ્રથમ ગોધરા અને ત્યારબાદ વડોદરા શહેર અને ગ્રામ્યની અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન એક ખાનગી હોસ્પિટલના તબીબને બાળકીના દસ્તાવેજો અને દંપતીના વર્તન પર શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એક સુનિયોજિત કાવતરું હતું. દીપ મેટરનિટી હોસ્પિટલમાં એક અજાણી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ માતા બાળકીને ત્યજીને જતી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે પૈસાની લાલચમાં આ બાળકીને ગોધરા તાલુકાના એક ગામના નિઃસંતાન દંપતીને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી.માનવ તસ્કરી, બાળકીનું ખરીદ-વેચાણ રાખવા જેવા ગુના હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં સંચાલકો વિરૂદ્ધ પણ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

