વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વણછરા ગામમાં ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળાંબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શાળાની શિક્ષિકા મનાલીબેન જોશી સામે બાળકોને યોગ્ય શિક્ષણ ન આપવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.
ગ્રામજનોનો આરોપ છે કે લાંબા સમયથી શિક્ષિકા દ્વારા બાળકોના અભ્યાસ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. આ મામલે શિક્ષિકા પર મારપીટ કરવાનો પણ ગંભીર આરોપ સામે આવ્યો છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે શાળાના આચાર્ય દ્વારા આ મુદ્દે શિક્ષણ વિભાગને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ આ મામલે ક્યારે હસ્તક્ષેપ કરે છે અને સમગ્ર વિવાદનો ઉકેલ કેવી રીતે લાવે છે.

