વડોદરા શહેરમાં આવેલી એક વધુ આંગણવાડીમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આંગણવાડીની આસપાસ દારૂની પોટલીઓ પડેલી જોવા મળતા બાળકો અને આંગણવાડી કાર્યકરો મુશ્કેલીમાં મુકાયા છે.
આંગણવાડી નજીક જ અસામાજિક તત્વો દ્વારા દારૂની પોટલીઓ ફેંકવામાં આવતા બાળકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એટલું જ નહીં, આસપાસના કેટલાક લોકો આંગણવાડી પાસે જ કચરો ફેંકતા હોવાથી ભારે ગંદકી ફેલાઈ છે.
ગંદકી અને દુર્ગંધના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નાનાં બાળકો માટે બનાવાયેલી આંગણવાડીમાં આવું વાતાવરણ હોવું ચિંતાજનક છે.
આ અંગે અનેક વખત સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આંગણવાડી કાર્યકરો પણ મુશ્કેલીમાં છે.
હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે પગલા ભરે છે અને વડોદરાના નાનાં બાળકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ ક્યારે મળશે.

