અનાથ બાળકોને ધાબળા આપી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કુપોષિત સગર્ભા મહિલાઓના આરોગ્ય અને પોષણ સુધારવાના ઉદ્દેશ્ય સાથે પોષણતત્વોથી ભરપૂર ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રા. લિ.ના સહયોગથી તથા તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી યોજાયો હતો.
વડાપ્રધાનના “સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક” અભિયાનને અનુરૂપ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાવલી તાલુકાના નગર અને ગ્રામ્ય વિસ્તારની આશરે 75 કુપોષિત સગર્ભા લાભાર્થી મહિલાઓને પોષણતત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ સાથે જ નાત-જાતના ભેદભાવ વિના સમાજસેવા કરવાનો ઉમદા પ્રયાસ કરતાં શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન દ્વારા ઇસ્લામિક સંસ્થામાં અભ્યાસ કરતા મુસ્લિમ અનાથ વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીમાં ઉપયોગી ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિઓ, શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના કનુભાઈ લીંબચિયા, જયેશભાઈ દેસાઈ, વિરેન્દ્રસિંહ રાજ, અરવિંદભાઈ રાઠવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થી મહિલાઓને પોષણનું મહત્વ સમજાવી આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવાનો સંદેશ આપ્યો હતો.

