વડોદરા જિલ્લાના મંજુસર વિસ્તારમાં કંતાનના કોથળામાં મળેલી અજાણી મહિલાની લાશના રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાયો છે. આ કેસમાં LCB ટીમે ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત 25 વર્ષથી ફરાર હત્યાના આરોપીને ઝડપી મોટી સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મંજુસર વિસ્તારમાં કંતાનના કોથળામાં એક અજાણી સ્ત્રીની અત્યંત બડી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લાંબા સમયથી આ હત્યાનો ભેદ ઉકેલાઈ શક્યો ન હતો.
LCBની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે આ હત્યામાં ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદની સંડોવણી હતી. આરોપીએ પોતાની પત્નીની જ નિર્મમ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 25 વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો.
LCB ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે યુપીના સપાયા ગામે રેડ કરી હત્યાના આરોપી ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદને ઝડપી લેવાયો હતો. આરોપીને પકડી વડોદરા લાવવામાં આવ્યો છે, જ્યાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
25 વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ ઉકેલાતા LCBની કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલ આરોપી પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેસ સંબંધિત અન્ય વિગતો બહાર આવવાની શક્યતા છે.

