વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધરફોડ ચોરીના ગુનામાં ઝોન-૩ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે નોંધપાત્ર સફળતા મેળવી છે. વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ ઝોન-૩ એલસીબી ટીમે કાર્યવાહી કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા આરોપીઓમાં છાયાબેન બારીયા તથા અલ્પેશ સોનીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી સોનાં-ચાંદીના દાગીના તેમજ રોકડા મળી કુલ રૂ. 11.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જપ્ત કરાયેલા દાગીનામાં મંગળસૂત્ર, વીટી, બુટ્ટી, પાયલ, રણી ઢાળકી સહિતના કિંમતી દાગીનાનો સમાવેશ થાય છે. આરોપીઓ દ્વારા ચોરીનો મુદ્દામાલ છુપાવી રાખવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઝોન-૩ એલસીબી ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લીધા બાદ આગળની કાયદેસર કાર્યવાહી માટે તેમને મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આરોપીઓ અન્ય ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં.

