વડોદરા શહેર સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટરને કારણે નાગરિકોને ભારે તકલીફ પડી રહી છે. છાશવારે આડેધડ આપવામાં આવેલા મોટી રકમના બીલ અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ગત રોજ શહેરના મકરપુરા વિસ્તારમાં એક રહેણાંક ફ્લેટમાં સ્માર્ટ મીટરનો વીજ પુરવઠો બંધ થઈ જતા રહીશોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી.
શહેરના મકરપુરા ડેપો પાછળ પેરેડાઈઝ પાલ્મ નામની રહેણાંક સ્કીમ આવેલી છે. જ્યાં રહીશો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. થોડા સમય પહેલા સાદા મીટરને બદલે વીજ કંપનીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા હતા. જ્યાં ગતરોજ અચાનક સોસાયટીના કોમન મીટરના 20 હજાર બીલ બાકી હોવાનો મેસેજ આવીને આપોઆપ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. કોમન વીજ મીટરનો પુરવઠો બંધ થઈ જતા સોસાયટીની કોમન સેવાઓ જેવીકે લાઈટ, લિફ્ટ અને પાણીની મોટર સહિતની તમામ સુવિધાઓ બંધ પડી ગઈ હતી. સોસાયટીના રહીશોએ તાત્કાલિક વીજ પુરવઠો પરત આવે તે માટે 20 હજારનું બાકી ચુકવણું કરી દીધું હોવા છતાંય વીજ પુરવઠો રિસ્ટોર થયો ન હતો.જેના કારણે રહીશો રોષે ભરાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે , વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માથાનો દુખાવો થયા છે. નાગરિકોના વ્યક્તિગત મીટરમાં તકલીફ આવે તો તેઓ તાત્કાલિક પેમેન્ટ કરીને મીટર શરૂ કરી દે છે. જેમાં એકાદી પરિવારને વેઠવાનો વારો આવે છે. જેની સામે સોસાયટીમાં લાગેલા કોમન મીટરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય તો સમગ્ર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

