વડોદરા, શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશકારી પૂરના કારણે લોકોની જાનમાલને ખૂબ નુકસાન થયું હતું. ત્યારે માંજલપુરના કેટલાક વિસ્તારમાં હજુ સુધી અસરગ્રસ્તોને આર્થિક સહાય ન ચૂકવાઇ હોવા મામલે આજે મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.
ગત ચોમાસામાં આવેલ વડોદરા શહેરના ઇતિહાસના સૌથી ભયાનક પુરના કારણે અનેક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા. જેમાં અનેક નવા વિસ્તારો પણ પૂરની અસર હેઠળ આવી ગયા હતા. ગત વર્ષે આવેલા પૂરમાં વોર્ડ નંબર 18ના માંજલપુર વિસ્તારમાં અનેક લોકોએ પોતાની ઘરવખરીમાં ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તેના કેટલાક રહીશોને હજુ સુધી આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી. તેથી આ મામલે આજે માંજલપુર સ્થિત મામલતદાર કચેરીએ કેટલાક સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને તેઓએ નુકસાનીની બાકી વળતરની રકમ તાત્કાલિક ચુકવવાની માંગ કરી હતી. આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે, જેવું પૂર ગયા વર્ષે આવું આવ્યું હતું એવું આ વર્ષે ન થાય તે પ્રમાણેનું તંત્ર આયોજન કરે.

