37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં “સર સયાજીરાવ નૃત્ય મહોત્સવ”નું ભવ્ય આયોજન

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા “સર સયાજીરાવ નૃત્ય મહોત્સવ”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દ્વારા વડોદરાના સ્થાપક અને કલા પ્રેમી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડને નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સર સયાજીરાવ ગાયકવાડના ૬૦ વર્ષના શાસનકાળ દરમિયાન કલા અને સંસ્કૃતિને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું. તેમની દૂરંદેશી દ્રષ્ટિ અને કલાપ્રેમના પરિણામે વડોદરામાં ભરતનાટ્યમ અને કથક નૃત્યને વિશિષ્ટ ઓળખ મળી છે. નૃત્ય વિભાગનું અસ્તિત્વ પણ તેમના કલાપ્રેમને આભારી હોવાનું વિભાગીય અધ્યક્ષ ડૉ. સ્મૃતિ વાઘેલાએ જણાવ્યું હતું.

ડૉ. સ્મૃતિ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, આવા મહાન રાજવી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમને સદૈવ સ્મરણમાં રાખવા માટે છેલ્લા ત્રણ વર્ષથી આ નૃત્ય મહોત્સવ નિયમિત રીતે આયોજિત કરવામાં આવે છે. નૃત્ય વિભાગની સ્થાપનાને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ પ્રસંગે તેમણે આવનાર સમયમાં આ મહોત્સવને વધુ ઊંચા અને વિશિષ્ટ સ્તરે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તે વડોદરાની સાંસ્કૃતિક ઓળખ બની રહે.

કાર્યક્રમ દરમિયાન સર સયાજીરાવ ગાયકવાડના જીવન, દ્રષ્ટિ અને શૈક્ષણિક યોગદાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી નૃત્ય દ્વારા ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ, નૃત્ય વિભાગની ૭૫ વર્ષની સમૃદ્ધ પરંપરાને ઘડનાર તમામ પૂર્વ નૃત્ય ગુરુઓ અને આચાર્યોને સ્મરણ કરી તેમની અમૂલ્ય સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

મહોત્સવ દરમિયાન વિવિધ શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કથક નૃત્યની મનોહર રજૂઆત શ્રીમતી રેશ્મા નાગર અને શ્રીમતી ખુશી કેતન શાહ દ્વારા કરવામાં આવી હતી. ભરતનાટ્યમ તથા કૂચીપુડી નૃત્યની સૌંદર્યસભર પ્રસ્તુતિ વિન્સી ફર્નાન્ડિઝ અને અનંથુ કૃષ્ણન દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત, નૃત્ય વિભાગના વર્તમાન વિદ્યાર્થીઓ લિથિકા, દેવશ્રી, સ્નેહા, ટિયૂની, નિશા, ટીશા, જયશ્રી, હર્ષિતા, ભાર્ગવી, અનાહિતા, થીલીની અને વૃશાલી દ્વારા ‘પદન્યાસ’ની શિસ્તબદ્ધ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેનું નૃત્ય સંયોજન ડૉ. સ્મૃતિ વાઘેલા અને ડૉ. પ્રીતિ દામલે દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વડોદરાની નૃત્યરસિક જનતાની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. સાથે જ નૃત્ય વિભાગ અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સવસભર અને કલાત્મક વાતાવરણમાં પરિવર્તિત થયો હતો.

આ સફળ આયોજન માટે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો. ગૌરાંગ ભાવસાર તેમજ નૃત્ય વિભાગના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના અમૂલ્ય સહકારને વિશેષ રીતે સરાહવામાં આવ્યો હતો.

Related posts

ભાડેથી રહેતા ઝીમ્બાવેના વિદ્યાર્થીએ માલિક અને પોલીસ અધિકારીને માર માર્યો

admin

લો બોલો… જો સરપંચે ગ્રામ પંચાયતની આ હાલત કરી હોય તો ગામની શુ હાલત હશે ?

admin

31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડ પર, માંજલપુર વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું

admin

Leave a Comment