પાલિકાના જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયા વિનાનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે.ભાજપના જ કાઉન્સિલરે અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ 1 કિમી સુધી જઈ રોજનું 5 કરોડ લિટર પાણી સીધેસીધું છોડાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે.
વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા સાથે તેની સફાઈ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવશે.બીજી તરફ ખુદ પાલિકા દ્વારા જ નદીમાં ગટરનાં પાણી સીધેસીધાં છોડવામાં આવી રહ્યાં હોવાનું સપાટી પર આવતાં તંત્ર દોડતું થયું છે.વોર્ડ 15ના ભાજપના કાઉન્સિલર આશિષ જોષી અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પાછળ આવેલા ઝાડી-ઝાંખરામાં 1 કિમી સુધી જઈ ટ્રીટ થયા વિના ગટરનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ખુદ પાલિકાના જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગટરનાં પાણી સીધાં છોડવામાં આવી રહ્યાં છે.એટલે અધિકારીઓ નાણાંનો વેડફાટ કરી રહ્યા છે. આ તંત્રની લાપરવાહી છે. તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરવામાં આવે.આ ગટરના પાણી વિશ્વામિત્રી નદી અને તેના જળચર પ્રાણીઓ માટે ઘણા નુકસાનકારક છે. તંત્રને વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવામાં જ રસ છે, પણ તેની સફાઈની કોઈ પડેલી નથી.

