મહાશિવરાત્રી નિમિત્તે શહેરમાં આગામી રવિવારે પરંપરાગત ‘શિવજી કી સવારી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે.
મળતી માહિતી મુજબ અમિત શાહ સાંજે અંદાજે 6 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આગમન કરશે. ત્યારબાદ તેઓ સીધા સુરસાગર તળાવ ખાતે પહોંચશે, જ્યાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવ મંદિરે યોજાનારી મહા આરતીમાં ભાગ લેશે.
મહા આરતી પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે તેમજ નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમને લઈને શહેરમાં ધાર્મિક અને રાજકીય બંને સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

