છોટાઉદેપુર: રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને યુવાધનને નશાની બદીથી બચાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં SOG દ્વારા મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
CID ક્રાઇમ અને રેલ્વેઝ, ATS અમદાવાદની સૂચનાઓ તેમજ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ SOG છોટાઉદેપુર દ્વારા NDPS એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
SOGના PSI એમ.એચ. જાદવને મળેલ બાતમીના આધારે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિંગલદા ગામે ભગુભાઇ બુઠીયાભાઇ રાઠવાના કબ્જા ભોગવટાના ખેતરમાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન ખેતરમાંથી બિનઅધિકૃત રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના કુલ 151 છોડ મળી આવ્યા હતા.
ઝડપાયેલા ગાંજાનું કુલ વજન 124.790 કિલોગ્રામ થયું હતું, જેની અંદાજીત બજાર કિંમત રૂ.62,39,500/- થાય છે. પોલીસે સમગ્ર મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
પકડાયેલ આરોપી ભગુભાઇ બુઠીયાભાઇ રાઠવાને વધુ કાર્યવાહી માટે કવાંટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલા પદાર્થોના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

