નસવાડી તાલુકામાં સ્વચ્છતાની વ્યવસ્થા ખોરવાઈ હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકોએ કર્યો છે. સાઈનાથ સોસાયટી ખાતે આવેલી હાઈસ્કૂલ સામે વારંવાર કચરાના મોટા ઢગલા થવાથી સમગ્ર વિસ્તાર દુર્ગંધયુક્ત બની ગયો છે અને આરોગ્ય જોખમ ઉભું થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર શાળા સામે કચરો નાખવામાં આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવાની ભીતિ છે. દુર્ગંધ, મચ્છર અને માખીના વધારા સાથે રોગચાળાનો ખતરો પણ વધી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ મુદ્દે સ્થાનિકોએ ત્રણથી વધુ વખત તાલુકા પંચાયતને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. કચરો ઉપાડવામાં આવે છે પરંતુ બીજા જ દિવસે ફરી ઢગલો થઈ જાય છે તેવી ફરિયાદો સામે આવી છે.
સ્થાનિક નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી નહીં થાય તો તાલુકા પંચાયત સામે આંદોલન, રસ્તા રોકો અને તાળાબંધી જેવા પગલાં લેવામાં આવશે.
આ સમગ્ર મામલે તાલુકા પંચાયત અથવા સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.

