વડોદરા શહેરના હરીનગર બ્રિજથી ગોત્રી GMERS હોસ્પિટલ તરફ જતા માર્ગ પર જેટકો દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે આજે સાંજના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તાનો એક ભાગ બંધ રાખવામાં આવતા વાહનચાલકો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા અને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી.
આ ઘટનાને પગલે વિસ્તારના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે હરીનગર બ્રિજ બાદ ગોત્રી GMERS હોસ્પિટલ તરફ જતો માર્ગ પર જેટકો દ્વારા લાઈન નાખવાની કામગીરી અધૂરી રહેતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે.
કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, બે જગ્યાએ ખાડા ભરવાના બાકી છે અને સામે તરફ પાઇપલાઇન ઉતારવાની કામગીરી ચાલી રહી હોવાથી રોડનો એક ભાગ બંધ કરવો પડ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે ડેપ્યુટી કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જેટકો સાથે સંકલન કરીને ખોદકામની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપી છે.
તંત્ર દ્વારા જણાવાયું છે કે ખોદકામ બાદ વેટ મિક્સ નાખી રોડ સમતલ કરવામાં આવશે અને ટ્રાયલ બીટ પૂર્ણ થયા બાદ રોડને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવશે. સાથે જ જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સામેનો માર્ગ સંપૂર્ણપણે બંધ નહીં કરવામાં આવે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

