વડોદરા: ગોત્રી મેડિકલ કોલેજ ખાતે આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “આરોગ્ય સાથે” તાલીમ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે સીધો સંપર્ક ધરાવતા કર્મચારીઓ જેવા કે સિક્યુરિટી ગાર્ડ, વર્ગ-૪ ના કર્મચારીઓ અને ડેટા ઓપરેટરોને દર્દીઓ સાથેના તેમના વર્તનમાં સુધારો લાવવા અને તેમને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે માર્ગદર્શન આપવાનો હતો.
તાલીમ દરમિયાન કર્મચારીઓને દર્દીઓ સાથે સૌજન્યપૂર્ણ વર્તન કરવા, તેમની સાથે આવેલા લોકોને પ્રોત્સાહન આપવા અને હોસ્પિટલના વાતાવરણને હકારાત્મક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે દર્દી પોતાની પીડા ભૂલીને ખુશીથી સારવાર મેળવે તે માટે કર્મચારીઓએ સહાનુભૂતિ દાખવવી જોઈએ અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં, દર્દીઓને તમામ પ્રકારની મદદ મળી રહે અને તેઓને સારી દેખભાળ મળી રહે તે અંગે પણ તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ માર્ગદર્શન કાર્યક્રમમાં ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. અનુપ ચંદાની અને અન્ય આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને દર્દીઓની સેવાને સર્વોપરી ગણવા પર ભાર મૂક્યો હતો.
આ “આરોગ્ય સાથે” તાલીમ કાર્યક્રમ સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓના અનુભવને સુધારવામાં અને કર્મચારીઓના કૌશલ્યોને વધુ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

