વડોદરા–અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આજે ઢળતી બપોરે કાચ ભરેલી એક ભારે ટ્રક પલટી મારતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. દુમાડ ચોકડીથી લઈ હાઇવે સુધી લગભગ 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને હજારો વાહનચાલકોને ચાર કલાકથી વધુ સમય સુધી હેરાન થવું પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી અમદાવાદ તરફ જાડા કાચની મોટી સીટો ભરીને જઈ રહેલી 12 વ્હીલવાળી ટ્રક પોઇચા બ્રિજ પસાર કર્યા બાદ અચાનક આગળના બે ટાયર ફેઇલ થતાં પલટી મારી હતી. ટ્રક પલટી ખાતા જ રોડ પર ચારેબાજુ કાચ ફેલાઈ ગયો હતો, જેના કારણે પાછળથી આવતા વાહનો અટવાઈ ગયા હતા.
અડધા કિલોમીટર સુધી તૂટેલા કાચ રોડ પર ફેલાયેલા હોવાથી અન્ય વાહનોને પંક્ચર પડવાનો મોટો ભય સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક વાહનવ્યવહાર અટકાવી દીધો હતો અને ટ્રાફિકને વાસદ ટોલનાકા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
આ અકસ્માતની અસર માત્ર વડોદરા–અમદાવાદ એક્સપ્રેસ હાઇવે સુધી સીમિત રહી નહોતી, પરંતુ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર રાયકા ટોલનાકા સુધી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા રોડ પરથી કાચ હટાવવાની અને ટ્રક ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ મોડીરાતે ધીમે ધીમે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.

