મતદારયાદી શુદ્ધિકરણ માટે ઘેરઘેર બીએલઓ દ્વારા માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ
વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ ધામેલીયાએ મતદારયાદીના શુદ્ધિકરણ માટે જનતાને સહકાર આપવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ) આગામી દિવસોમાં ઘેરઘેર જઈને મતદારયાદી સંબંધિત માહિતી ચકાસશે તથા એનરોલમેન્ટ ફોર્મ ભરાવશે.
શ્રી ધામેલીયાએ જણાવ્યું કે આ કામગીરી મતદારયાદીની શુદ્ધતા જાળવવા તથા નવીન મતદારોને નોંધણી માટે તક આપવા હાથ ધરવામાં આવી છે. દરેક નાગરિકે પોતાના મતાધિકારને સુરક્ષિત રાખવા માટે બીએલઓને સંપૂર્ણ સહકાર આપવો જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો 2002 ની મતદારયાદીમાં કોઈનું નામ હતું, તો તેની હાલની યાદી સાથે મેચ કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ સ્થળાંતર કરી હોય કે નવા મતદાર તરીકે નોંધાવા ઈચ્છે, તો તે ફોર્મ નંબર 6 ભરી શકે છે.
આ પ્રક્રિયા માત્ર મેન્યુઅલ નથી, પરંતુ ઓનલાઇન માધ્યમ દ્વારા પણ મતદારો પોતાનું નામ ઉમેરવા, સુધારવા અથવા કાઢવા માટે અરજી કરી શકે છે.
કલેક્ટર શ્રી ધામેલીયાએ નાગરિકોને અપીલ કરી કે જ્યારે બીએલઓ તેમના ઘરે પહોંચે, ત્યારે જરૂરી દસ્તાવેજો પૂરા પાડી તેમને સહકાર આપે, જેથી લોકશાહી પ્રક્રિયામાં સૌની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.
તેમણે કહ્યું કે મતદારયાદીનું શુદ્ધિકરણ ચૂંટણી પ્રક્રિયાનો અત્યંત મહત્વનો તબક્કો છે, અને દરેક નાગરિકનું નામ યોગ્ય રીતે નોંધાયેલું હોવું લોકશાહીની મજબૂતી માટે જરૂરી છે.

