શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી,અલવાનાકા કોતર તલાવડી ખાતે 14 વર્ષના વિદ્યાર્થીઓ મોબાઈલના વળગણથી માતાપિતાએ ઠપકો આપતાં લાગી આવતાં મોતને વ્હાલું કર્યુ હતું.
તાજેતરમાં જ એક યુવક મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે ધાબા પરથી ઉતરવામાં ચૂક થઈ અને સીધો જમીન પર પટકાયો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી,અલવાનાકા કોતર તલાવડી ખાતે બનેલ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માંજલપુરમાં 14 વર્ષના ધોરણ -9 માં અભ્યાસ કરતા મનીષગીરી ચિંતામણી નામના વિદ્યાર્થીએ મોબાઈલની લ્હાયમાં મોતને વ્હાલું કર્યુ છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીને મોબાઇલ ફોન ની લત લાગી ગઈ હતી. તે દિવસનો મોટો ભાગ મોબાઈલ જોવામાં પસાર કરતો હતો. આ ટેવથી કંટાળીને પરિવારજનો તેને વારંવાર ઠપકો આપતા હતા. બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો હતો. જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું. વિદ્યાર્થીએ નબળી ક્ષણે ન ભરવાનું પગલું ભર્યુ હતું. તેણે પંખા પર ઓઢણી લટકાવીને ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

