વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાની ગંભીર નિષ્કાળજીને કારણે એક યુવકને જીવ ગુમાવવો પડ્યો હોવાના મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નિવૃત્ત DYSPના પુત્રનું ખુલ્લા ડ્રેનેજ ચેમ્બરમાં ખાબકતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનાને લઈ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે વડોદરા મહાનગરપાલિકાના મેયરને લેખિત પત્ર પાઠવી કડક શબ્દોમાં આક્ષેપો કર્યા છે.
પત્રમાં અમીબેન રાવતે જણાવ્યું છે કે, પાલિકા અને સંકળાયેલા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે. લાંબા સમયથી ખુલ્લું રહેલું ડ્રેનેજ ચેમ્બર અને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ કરુણ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું છે.
અમીબેન રાવતે મેયરને માંગ કરી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે તેમજ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે FIR દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તેમણે પાલિકાની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

