સાવલીમાં મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસ નિમિત્તે રામનવમી પર્વની ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સાવલી હિન્દૂ ધર્મરક્ષા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રાની શરૂઆત ભીમનાથ મહાદેવ મંદિરથી કરવામાં આવી હતી, જ્યાંથી રામજીની વિશાળ પ્રતિમાને સાથે રાખીને ડીજેના તાલે અને “જય શ્રીરામ”ના જયઘોષ વચ્ચે યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. સાવલી નગર તેમજ તાલુકાના યુવાઓ અને રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
શોભાયાત્રા દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં પણ ભગવાન શ્રીરામના રથનું ફૂલવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સામાજિક એકતા અને સૌહાર્દનું સુંદર ઉદાહરણ બની રહ્યું હતું. માર્ગમાં અનેક સ્થળોએ નગરજનો દ્વારા ઠંડુ પાણી, શરબત અને છાશના સ્ટોલ લગાવી રામભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા નગરના રાજમાર્ગો અને મંદિરોમાં ફરી પરત ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી, જ્યાં પૂજા-અર્ચના સાથે તેની શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સાવલી ઉપરાંત મંજુસર સહિત આસપાસના ગામોમાં પણ રામનવમી પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સાવલી પોલીસે શોભાયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

