વડોદરાના ઇસ્કોન મંદિરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે યોજાતી સ્નાન યાત્રા નો આ દિવ્ય ઉત્સવ આજે ધૂમધામથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે, ભગવાન જગન્નાથ, બલદેવજી અને બહેન સુભદ્રાજી ને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પવિત્ર સ્નાન કરાવવામાં આવશે.
સ્નાન યાત્રા એ રથયાત્રા પૂર્વેનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાનને સ્નાન કરાવવાથી તેમને “તાવ” આવે છે, જેના કારણે તેઓ ૧૫ દિવસ સુધી ભક્તોથી દૂર “અનાસર” (અલગ ઓરડા) માં રહે છે. આ સમયગાળા દરમિયાન ભગવાનની વિશેષ ઔષધીય સેવા અને ઉપચાર કરવામાં આવે છે, જેથી તેઓ રથયાત્રા માટે સંપૂર્ણ સ્વસ્થ અને તૈયાર થઈ શકે.
આજના દિવસે, વડોદરાના ઇસ્કોન મંદિરમાં પૂજારીઓ દ્વારા તમામ સામગ્રી અને વિધિઓની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્ય વિધિ માટે, ૧૦૮ કલશ પવિત્ર જળ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કલશને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યા છે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરાવવામાં આવશે. આ અભિષેક બાદ, ભગવાનને વિશેષ વસ્ત્રો અને હાથીનો વેષ (ગજવેશ) ધારણ કરાવવામાં આવે છે, જે દર્શનાર્થીઓ માટે અદભુત દૃશ્ય હોય છે.સવારથી જ ભક્તોનો પ્રવાહ ઇસ્કોન મંદિર તરફ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે પોણા દસ વાગ્યાથી લઈને સાડા બાર વાગ્યા સુધી ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન અને સ્નાન યાત્રાના દિવ્ય મહોત્સવમાં ભાગ લઈ શકશે. આ પવિત્ર સ્નાન યાત્રાનું દર્શન કરવું એ અનેક પુણ્યોનું ફળ આપનારું માનવામાં આવે છે.આ સ્નાન યાત્રા બાદ, ભગવાન ૧૫ દિવસ સુધી કપાટ બંધ રાખીને આરામ કરશે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે. આ ઉત્સવ વડોદરાના આધ્યાત્મિક વાતાવરણને વધુ પવિત્ર અને ભક્તિમય બનાવશે. ત્યારે આજે સ્નાન યાત્રામાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની પ્રમુખ જયપ્રકાશ સોની પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાંસદ હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્વામી સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જણાભિષેક તેમના દ્વારા કરવામાં આવ્યો હતો…

