આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે – ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ
આદિવાસીઓના ગૌરવમાં વધારો કરવા માટે પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સંખેડા ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે મુખ્ય દંડકએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે આદિવાસીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આ વર્ષના બજેટમાં પણ આદિવાસીઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતેથી યોજાયેલ “વિશ્વ આદિવાસી દિવસ”ના કાર્યક્રમનું ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નીહાળ્યુ હતું. આ પ્રસંગે આદિવાસી વિકાસની યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી, કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મૈત્રીદેવી સિસોદિયા, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલકુંવરબા મહારાઉલ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મોહસીન સુરતી, છોટાઉદેપુર

