વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. યુવક પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક બાઈકના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પેટ્રોલ પંપના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર ટક્કર થતાં યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના હૃદય કંપી જાય તેવા CCTV સામે આવ્યા છે. વડોદરાના કલાલી ગામના ચાણક્યનગરીમાં રહેતો આદિત્યકુમાર રાજેન્દ્રભાઈ પરમાર (ઉંમર વર્ષ 19) બપોરના સમયે શહેરના મહાવીર ચાર રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન યુવકે પોતાની બાઈક બેફામ સ્પીડે ચલાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સીધો દુધેશ્વર સોસાયટી સામે આવેલા ખાનગી પેટ્રોલ પંપ બહાર હવા પુરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતવની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં યુવકના બાઈકની સ્પીડ એટલી ભયાનક હતી કે નજરે જોનાર પણ ચોંકી જાય. ભયાનક રીતે ટક્કર થતાં યુવક ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી યુવકને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેણે સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.

