નસવાડી: નસવાડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની ધજાગરા ઉડાવતી બાઈક ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. તારીખ 14-12-2025 ના રોજ રાત્રિના સમયે નસવાડીના જલારામ મંદિરના ઉપરના ઢાળ વિસ્તારમાંથી બાઈક ચોરીની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તારમાં નિયમિત રીતે પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવેલ હોવા છતાં બાઈક ચોરો નિર્ભય બની બાઈક ઉઠાવી ફરાર થઈ ગયા હતા.
પોલીસ પોઇન્ટની હાજરી છતાં આવી ઘટના બનવી એ સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ એક જ ઘટના નહીં પરંતુ નસવાડીના આશિયાના શોપિંગ સેન્ટર તેમજ આપશે શોપિંગ સેન્ટર નજીક પણ બાઈક ચોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં બાઈક ચોરો ફોરવીલર વાહનનો ઉપયોગ કરી બાઈકને ધક્કો મારીને લઈ જતા હોવાનું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયું છે.
ભીડભાડવાળા બજાર વિસ્તારમાંથી આ રીતે ચોરી થવી એ ચોરોની બેફામ હિંમત અને પોલીસની નબળી દેખરેખ તરફ ઈશારો કરે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પૂરતી પેટ્રોલિંગ અને સતર્કતા ન હોવાના કારણે ચોરોને ખુલ્લી છૂટ મળી રહી છે. રાત્રિના સમયે પોલીસ પોઇન્ટ માત્ર નામ પૂરતો છે કે શું? એવો સવાલ હવે જનતા ઉઠાવી રહી છે.
સ્થાનિક નાગરિકોએ નસવાડી પોલીસ તંત્રને અપીલ કરી છે કે માત્ર તપાસના નામે સમય પસાર કર્યા વિના સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાનો વિશ્વાસ સ્થાપિત થઈ શકે.

