વડોદરા જિલ્લાના ડેસર ઝોન-6 ની રસપ્રદ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભારે ટક્કર બાદ વિજેતા જાહેર થતાં પંથકમાં જશનનો માહોલ જોવા મળ્યો.
ડેસર ઝોન-6 માટે યોજાયેલી ચૂંટણીમાં વેજપુરના પૂર્વ ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને સાવલી તાલુકા ભાજપ પ્રમુખ કનોડાના યુવાનેતા સુરપાલસિંહ પરમાર વચ્ચે સીધી ટક્કર હતી. પરિણામને લઈને અગાઉથી જ પંથકમાં અનેક અટકળો ચાલી રહી હતી.
આ ચૂંટણીમાં કુલ 81 મતદાન થયું હતું, જેમાં કુલદીપસિંહ રાઉલજીને 37 મત મળ્યા જ્યારે સુરપાલસિંહ પરમારને 43 મત મળતાં તેઓ વિજેતા જાહેર થયા.
બીજી તરફ, સાવલી ઝોન-1 માં પૂર્વ ડિરેક્ટર રામસિંહ વાઘેલા બિનહરીફ જાહેર થયા હતા.
વિજય બાદ સુરપાલસિંહ પરમાર સમર્થકો સાથે સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં પૂજા અર્ચના કરી મતદારો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે નવી ચૂંટાયેલી ટીમને શુભેચ્છાઓ પાઠવી અને પશુપાલકોના હિતમાં કાર્ય કરવાની અપીલ કરી.

