ખેડા જિલ્લાના ઠાસરાના જલાનઞરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક ફરી એક વખત જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, દીપડાએ નહેરના કિનારે આવેલા ટોળા પર અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચાર જેટલા લોકો પર હુમલો થયો હોવાનું જાણવા મળે છે, જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
હુમલાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દીપડાને ટોળા તરફ દોડતા અને લોકો ભાગાદોડ કરતા જોવા મળે છે. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ અને અધિકારીઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘાયલ તમામ લોકોને તરત જ ઠાસરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના વધતા દેખાવને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

