વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંજેસર ગામમાં ક્રિકેટ પ્રેમીઓ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો ગામજનો સાથે મળી જોઈ શકે તે માટે ગામના પ્રથમ નાગરિકના પતિ અંકિતભાઈ પટેલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અંકિતભાઈ પટેલે પોતાના ફાર્મ હાઉસ ખાતે પ્રોજેક્ટર સ્ક્રીન દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ રાખ્યું હતું. જેના કારણે ગામના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મોટા શહેરોમાં અથવા સ્ટેડિયમમાં જઈને મેચ જોવા સક્ષમ ન હોય તેવા લોકો પણ આ રોમાંચક મુકાબલો નિહાળી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જે લોકો માટે સ્ટેડિયમમાં જઈને ટિકિટ લઈને મેચ જોવી શક્ય ન હતી તેવા લોકો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામજનો અંકિતભાઈ પટેલના ફાર્મ હાઉસ પર એકત્રિત થયા હતા અને પ્રોજેક્ટર સ્ક્રીન પર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચનો રોમાંચ માણ્યો હતો. મેચ દરમિયાન લોકોમાં દેશપ્રેમ અને ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
મેચ પૂર્ણ થયા બાદ ગામજનો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ એકસાથે ભોજન કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
અંજેસર ગામમાં અંકિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ આ આયોજન માત્ર ક્રિકેટ મેચ જોવાનું જ નહીં પરંતુ ગામજનોને એકસાથે જોડવાનો પણ એક સુંદર પ્રયાસ સાબિત થયો છે. સામાજિક એકતા અને રમતપ્રેમને પ્રોત્સાહન આપતું આ આયોજન ગામજનોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

