ડેસર તાલુકાના ભાટપુરા ગામે આજરોજ સિકોતર માતાના મંદિરે પ્રતિષ્ઠા દિવસની ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી ગામજનો દ્વારા પરંપરાગત રીતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
સવારથી જ ભાવિક ભક્તો સિકોતર માતાના મંદિરે આવી આરતી કરીને દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું.
આરતી બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ સાંજે ભજન અને હવન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમમાં ગાયક સતીશ ભોઈરાજ તેમજ ભુવાજી સુખદેવજી પરમારની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સાથે જ અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ગામજનોના જણાવ્યા અનુસાર સિકોતર માતાના મંદિરે માનતા રાખનાર ભક્તોની માનતા પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા છે. સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુવ્યવસ્થિત અને સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જે ગામમાં ધાર્મિક એકતા અને ભક્તિનો સુંદર સંદેશ આપી ગયો.

