વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગંગોત્રી અંગ્રેજી માધ્યમિક વિદ્યાલય ખાતે આજે સાયન્સ એક્સપો 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ ઈન્ડિયા, ન્યૂ વર્ઝન ઓફ એગ્રીકલ્ચર, ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન રાઈટ્સ, મેથ્સ મેજિક જેવી થીમ પર આકર્ષક કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી, જેનું પ્રદર્શન વિજ્ઞાન મેળામાં રાખવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત ગીત અને સંસ્કૃતિક કાર્યક્રમથી ઉજવણીનો માહોલ સર્જાયો હતો.
વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલી નવીન કૃતિઓએ વાલીઓ, ટ્રસ્ટી મંડળ અને તમામ મહેમાનોનું મન મોહી લીધું હતું. બાળકોના ઉત્સાહને વધારવા આમંત્રિત નિરીક્ષકો તેમજ અતિથિઓએ વખાણ કર્યા હતા.
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે કથાકાર નયન જોષી (શાસ્ત્રીજી), વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વીસી એ.આર.જી. કોઠારી, આઈ.સી.સી. ક્રિકેટના સભ્ય દિનેશભાઈ બારોટ, રાધે ફાઉન્ડેશન પ્રમુખ જયેશ ચોકસી, કીર્તિ પરીખ, શૈલેન્દ્રસિંહ ઠાકોર સહિત અનેક માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
શાળા સંચાલકગણ, ટ્રસ્ટીઓ, આચાર્ય પંકજ ત્રિવેદી, શિક્ષકમંડળ અને વાલીઓએ વિદ્યાર્થીઓની કલા, સર્જનાત્મકતા અને વિજ્ઞાન પ્રત્યેના રસની પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

