સાવલી તાલુકાના જુનાસમલાયા ગામે રાજ્ય સરકારના સેવાસેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા સાવલી મામલતદાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારી, સરપંચ તેમજ ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા અથવા સુધારવા, ચૂંટણીકાર્ડમાં સુધારા, જાતિ પ્રમાણપત્ર સહિતની અનેક કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી.
ગ્રામજનોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે યોજાયેલા આ સેવાસેતુ કાર્યક્રમને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

